
વલસાડ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)
વલસાડ સીટી પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ધનભુરા રોડ સ્થિત દિલબર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી રૂ. 2.91 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીન બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો પહોંચાડનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, વલસાડ સીટી પોલીસની ટીમ 13 સપ્ટેમ્બરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ધનભુરા રોડના દિલબર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101માં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફ્લેટના રસોડામાંથી 26 પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ વ્હિસ્કી તથા ટીન બીયરની કુલ 1,104 બોટલ/કેન, 244.8 લીટર જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂનો જથ્થો, અંદાજિત કિંમત રૂ. 2,91,936, તેમજ રૂ. 5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2,96,936નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ફ્લેટમાં રહેતી ઇસરત વય 35 વર્ષની મહિલાની ધરપકડ કરી વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન મોહમદ કાશીમ અબુબકર વજીર, રહે. મોટા ટાઇવાડ, વલસાડનું નામ સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલી મહિલાના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.એચ. રાઠોડ તથા ડી-સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha