સુરતના વેસુમાં મોડી રાત્રે આગથી અફરાતફરી, ફાયર ટીમે સમયસર મોટી દુર્ઘટના ટાળી
સુરત, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં આવેલી કેપિટલ ગ્રીન કો-ઓપરેટિવ સોસાયટીમાં મોડી રાત્રે આગ લાગતાં રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. 15 સપ્ટેમ્બરની રાત્રે આશરે 12:45 વાગ્યે E/2 ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાંથી અચાનક તણખા ઝરવા
late-night fire in Surat


સુરત, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં આવેલી કેપિટલ ગ્રીન કો-ઓપરેટિવ સોસાયટીમાં મોડી રાત્રે આગ લાગતાં રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. 15 સપ્ટેમ્બરની રાત્રે આશરે 12:45 વાગ્યે E/2 ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાંથી અચાનક તણખા ઝરવા લાગ્યા હતા અને ત્યારબાદ આગ ભડકી ઊઠી હતી. આગના કારણે ધુમાડો ફેલાતાં ઊંઘમાં રહેલા લોકો જાગી ગયા હતા અને સલામતી માટે પોતાના ફ્લેટમાંથી બહાર આવી નીચે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સહિતના ફાયર કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સતત પાણીનો મારો ચલાવ્યા બાદ રાત્રે આશરે 1:38 વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગ અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાથમિક તપાસમાં મીટર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગમાં ટાવરની મીટર પેટીઓને નુકસાન થયું હતું અને કેટલીક પેટીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે જાનહાનિ થઈ નથી. સમયસર આગ કાબૂમાં આવી જતાં સોસાયટીના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande