



ગોધરા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલોલ સ્થિત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજીને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલ સંવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલી આ સેવા યાત્રા અંતર્ગત યુવાનો અને નાગરિકો દ્વારા હાથ ધરાયેલી સ્વચ્છતા તથા ગૌસેવા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને પ્રાકૃતિક ખેતી તેમજ તેની ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે તેમણે ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સંકલ્પને આગળ ધપાવવા માટે યુવાનો અને નાગરિકો સતત સેવાકીય કાર્યો કરી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં જમા થતી વાર્ષિક રૂ. ૬,૦૦૦ ની સહાય, ૨૪ કલાક વીજળી, ખેતરો સુધી સિંચાઈનું પાણી અને આયુષ્માન ભારત કાર્ડ હેઠળ મળતી રૂ. ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર જેવી લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ સ્વચ્છતા અભિયાન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનવા માટે ઉપસ્થિત સૌ ખેડૂતોને આવનારા મહિનામાં ઓછામાં ઓછી ૨૫ મિનિટનું શ્રમદાન કરવા માટે ખાસ આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સી. કે ટીંબડીયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ