

પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામની એમ.પી. મોમીન વિદ્યાલય ખાતે ‘મારા સપનાંનું ભારત’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિકસિત ભારત’ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ કેનવાસ પર પોતાની કલ્પનાઓને રંગો દ્વારા રજૂ કરી હતી. જેમાં સ્વચ્છ અને હરિયાળું ભારત, આત્મનિર્ભર ભારત, દેશની એકતા, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ જેવા વિવિધ વિષયો આધારિત ચિત્રો બનાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓની કલાત્મક કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ તેમની પ્રતિભા વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સદરૂદ્દીન મોમીન, વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શાળાના આચાર્ય, શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફની હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ