

Gujarat, 19 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં આજે સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ વરસતા શહેરનું વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને વરસાદના આગમનથી મોટી રાહત મળી હતી. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને રસ્તાઓ પર પણ પાણીના કારણે ઠંડકભર્યું માહોલ જોવા મળ્યો હતો.
સાંજના સમયે વરસાદ શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં લોકો વરસાદથી બચવા માટે દુકાનો અને અન્ય સ્થળોએ આશરો લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ, વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને ધીમી ગતિએ પસાર થવું પડ્યું હતું.
ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાતા ગરમીથી રાહત મળતાં શહેરીજનોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. જોકે, ભારે વરસાદને કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અંગે સ્થાનિકોમાં ચિંતા પણ જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ