તરણેતરના પશુ મેળામાં તળાજાની જાફરાબાદી ભેંસે રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો
ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) તળાજા તાલુકાના ધારડી ગામના પશુપાલક બારૈયા ખાટાભાઈ સવજીભાઈની જાફરાબાદી ભેંસ ‘ભીલી’એ રાજ્યકક્ષાના તરણેતરના પશુ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં પ્રથમ ક્રમ મેળવી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બે વર્ષ અને નવ મહિનાની ‘ભીલ
પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ભેંસ


ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) તળાજા તાલુકાના ધારડી ગામના પશુપાલક બારૈયા ખાટાભાઈ સવજીભાઈની જાફરાબાદી ભેંસ ‘ભીલી’એ રાજ્યકક્ષાના તરણેતરના પશુ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં પ્રથમ ક્રમ મેળવી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બે વર્ષ અને નવ મહિનાની ‘ભીલી’એ રાજ્યભરમાંથી આવેલા પશુઓ વચ્ચે યોજાયેલી હરીફાઈમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

હરીફાઈ દરમિયાન ભેંસની ઊંચાઈ, શિંગનો આકાર, રંગ, વજન, શરીરનો બાંધો અને પગની રચના સહિતના વિવિધ માપદંડોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચકાસણી અને મૂલ્યાંકન બાદ ‘ભીલી’ને રાજ્યમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ પશુપાલક ખાટાભાઈને રૂ. 50 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.

ખાટાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી પશુપાલન સાથે જોડાયેલા છે. ‘ભીલી’ ઓરિજિનલ જાફરાબાદી જાતની ભેંસ છે અને તેના કદ, શિંગ તથા માથાના આકારને કારણે તે આકર્ષક દેખાય છે. તેની યોગ્ય સંભાળ માટે દિવસમાં ચારથી પાંચ વખત ચાલવા લઈ જવા ઉપરાંત મિનરલ મિશ્રણ અને પશુઆહાર આપવામાં આવે છે.

તરણેતરના મેળામાં ‘ભીલી’ને જોયા બાદ કેટલાક પશુપાલકોએ તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રૂ. 10 લાખ સુધીની ઓફર પણ કરી હતી. જોકે, પોતાની મહેનતથી ઉછેરેલી અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવનારી ભેંસ સાથે લાગણીસભર સંબંધ હોવાથી ખાટાભાઈએ તેને વેચવાનો ઇનકાર કર્યો હતો.

સ્થાનિક અજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ધારડી ગામની આ ભેંસે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા અન્ય પશુપાલકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande