સ્માર્ટફોન હાથમાં આવતા ભચાઉના ખેડૂતની ખેતી બની ‘સ્માર્ટ’ : હવામાનથી સરકારી યોજનાઓ સુધીની માહિતી હવે એક ક્લિકે
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : આધુનિક ટેકનોલોજી હવે ખેતીના ક્ષેત્રમાં પણ ખેડૂતો માટે મહત્વનું સાધન બની રહી છે. ખેતીમાં સમયસર નિર્ણય લેવામાં હવામાનની આગાહી, પાકમાં રોગ-જીવાતની માહિતી, નવી ખેતી પદ્ધતિઓ તેમજ સરકારી યોજનાઓની જાણકારી મહત્વની બની છે. આવી સ
સ્માર્ટફોન સહાયનો લાભાર્થી


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : આધુનિક ટેકનોલોજી હવે ખેતીના ક્ષેત્રમાં પણ ખેડૂતો માટે મહત્વનું સાધન બની રહી છે. ખેતીમાં સમયસર નિર્ણય લેવામાં હવામાનની આગાહી, પાકમાં રોગ-જીવાતની માહિતી, નવી ખેતી પદ્ધતિઓ તેમજ સરકારી યોજનાઓની જાણકારી મહત્વની બની છે. આવી સ્થિતિમાં ભચાઉ તાલુકાના ખેડૂત હિતેશ ડાંગર માટે સરકારની મોબાઇલ સહાય યોજના ઉપયોગી સાબિત થઈ છે. સ્માર્ટફોન માટે મળેલી આર્થિક સહાયના પગલે તેમની દૈનિક ખેતી કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે.

હિતેશ ડાંગર ખેતી સાથે જોડાયેલા વિવિધ કામો માટે હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પહેલાં ખેતી સંબંધિત ઘણી માહિતી મેળવવા માટે વિવિધ સ્ત્રોતો અથવા કચેરીઓ પર આધાર રાખવો પડતો હતો, પરંતુ હવે જરૂરી માહિતી મોબાઇલના માધ્યમથી ઘરે બેઠા મેળવી શકાય છે. ખાસ કરીને વરસાદ અને હવામાનની આગાહી તેમના માટે ખેતીના આયોજનમાં ઉપયોગી બની રહી છે.

હિતેશભાઈએ i-ખેડૂત પોર્ટલ મારફતે મોબાઇલ સહાય યોજના હેઠળ અરજી કરી હતી. અરજી મંજૂર થયા બાદ તેમને સ્માર્ટફોનની ખરીદી માટે રૂ. 6,000ની સહાય મળી હતી. આ સહાયથી સ્માર્ટફોન મેળવ્યા બાદ ખેતી સંબંધિત માહિતી સુધી તેમની પહોંચ વધુ સરળ બની છે.

હવે તેઓ હવામાન વિભાગની આગાહી ઉપરાંત વરસાદની સંભાવના, પાકમાં જોવા મળતા રોગો અને જીવાતોના સંભવિત ઉપદ્રવ, તેના નિયંત્રણની પદ્ધતિઓ તથા આધુનિક ખેતી અંગેની માહિતી ઓનલાઈન મેળવી શકે છે. સાથે જ ખેતીલક્ષી પ્રકાશનો અને નવીન પદ્ધતિઓ અંગે પણ જાણકારી મેળવી તેનો ઉપયોગ ખેતીમાં કરી રહ્યા છે.

સરકાર દ્વારા અમલમાં મૂકાતી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી પણ મોબાઇલ મારફતે સરળતાથી મળી રહે છે. જરૂરિયાત મુજબ કેટલીક યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા હોવાથી કચેરી સુધી જવાનો સમય અને ખર્ચ બચી રહ્યો છે.

હિતેશ ડાંગરના જણાવ્યા મુજબ, બદલાતા સમય સાથે ખેડૂતો માટે ટેકનોલોજીનો ઉપયોગ જાણવો જરૂરી બન્યો છે. મોબાઇલ સહાયથી તેમને ખેતીની કામગીરીમાં સુવિધા મળી છે અને ખેતીને વધુ માહિતી આધારિત બનાવવામાં મદદ મળી રહી છે. સરકારની સહાયથી મળેલો સ્માર્ટફોન તેમના માટે માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ ખેતી માટેનું ઉપયોગી ડિજિટલ સાધન બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande