કચ્છના યુવાનો માટે રોજગારીની મોટી તક: ભુજમાં 21 સપ્ટેમ્બરે ભરતીમેળો, 10 પાસથી અનુસ્નાતક સુધીના ઉમેદવારો લઈ શકશે ભાગ
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દીની નવી તકો મળી રહે તે હેતુથી ભુજમાં ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ અને આઈ.ટી.આઈ. ભુજના સંય
કચ્છના યુવાનો માટે રોજગારીની મોટી તક: ભુજમાં 21 સપ્ટેમ્બરે ભરતીમેળો, 10 પાસથી અનુસ્નાતક સુધીના ઉમેદવારો લઈ શકશે ભાગ


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દીની નવી તકો મળી રહે તે હેતુથી ભુજમાં ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ અને આઈ.ટી.આઈ. ભુજના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ભરતીમેળા સાથે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળો (PMNAM) પણ યોજાશે. જેના કારણે નોકરીની સાથે એપ્રેન્ટિસશીપની તકો શોધી રહેલા ઉમેદવારો માટે પણ આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બની રહેશે.

ભરતીમેળામાં કચ્છ સહિતના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ભાગ લેશે અને તેમની સંસ્થાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. ઉમેદવારોને એક જ સ્થળે વિવિધ કંપનીઓ અને રોજગારીની તકો વિશે માહિતી મેળવવાની સાથે પોતાની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય અનુસાર નોકરી માટે પ્રયાસ કરવાની તક મળશે.

આ ભરતીમેળામાં ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ઉપરાંત આઈ.ટી.આઈ. પાસ, ડિપ્લોમા, બી.ઈ., સ્નાતક અને અનુસ્નાતક લાયકાત ધરાવતા યુવાનો પણ ભાગ લઈ શકશે. ભરતીમેળા માટે ઉમેદવારોની વયમર્યાદા 18થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. વિવિધ શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોને એક જ પ્લેટફોર્મ પર રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રોજગાર ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સ્વરોજગાર ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા યુવાનો માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. વિવિધ સ્વરોજગાર સંસ્થાઓ દ્વારા પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ તથા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે પણ આઉટરીચ કાર્યક્રમ યોજાશે, જેના માધ્યમથી યુવાનોને ઉપલબ્ધ યોજનાઓ અને તકો અંગે માહિતી આપવામાં આવશે.

ભરતીમેળો 21 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9:30 કલાકે આર.આર. લાલન કોલેજ, ભુજ ખાતે યોજાશે. કચ્છના રોજગાર ઇચ્છુક લાયકાત ધરાવતા યુવાનોને જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે સમયસર ઉપસ્થિત રહી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande