

કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરની ગોકુલધામ બાઉન્ડ્રી પેક સોસાયટીમાં મગર ઘૂસી આવતાં રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના રહેણાંક વિસ્તારમાં અચાનક દેખાયેલા મહાકાય મગરને કારણે સ્થાનિકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને રાત્રિના સમયે રોડલાઇટની પૂરતી વ્યવસ્થા ન હોવાથી મગરને શોધવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી.
મળતી માહિતી મુજબ, ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં મગર દેખાતાં સ્થાનિક રહેવાસી રાજ જોશીએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, વનવિભાગની ટીમ પહોંચે ત્યાં સુધી રહેવાસીઓએ સાવચેતી રાખીને ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
કલાકોની જહેમત બાદ વનવિભાગની ટીમે મગરને કાબૂમાં લઈ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો અને તેને રહેણાંક વિસ્તારથી દૂર સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. મગરના રેસ્ક્યૂ બાદ સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં અગાઉ પણ મગર સહિત સાપ અને અન્ય જંગલી જીવો રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભય જોવા મળે છે.
રહેવાસીઓનો મુખ્ય પ્રશ્ન સોસાયટીના આંતરિક રસ્તાઓ પર પૂરતી રોડલાઇટની સુવિધાનો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં રોડલાઇટની વ્યવસ્થા માટે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. અંધારાના કારણે મગર, સાપ કે અન્ય જીવજંતુઓ દેખાઈ ન આવતાં જોખમ વધવાની શક્યતા રહેલી છે.
હવે મગરના રેસ્ક્યૂ બાદ સ્થાનિકો દ્વારા સોસાયટી વિસ્તારમાં તાત્કાલિક રોડલાઇટની વ્યવસ્થા કરવામાં આવે અને આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar