




કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છની અનોખી જૈવ વિવિધતામાં ઉમેરાયું વધુ એક રસપ્રદ અવલોકન, રેતિયો સાપ ગુજરાતમાં અત્યંત દુર્લભ રેકોર્ડ ધરાવે છે. કચ્છની વિશિષ્ટ ભૌગોલિક રચના અને શુષ્ક આબોહવા અનેક પ્રકારના વન્યજીવો માટે અનુકૂળ કુદરતી આવાસ પૂરો પાડે છે. કચ્છના સૌથી ઊંચા શિખર કાળા ડુંગર વિસ્તારમાં તાજેતરમાં એક જ સ્થળે બે અલગ અને મહત્વપૂર્ણ સાપ પ્રજાતિઓ જોવા મળતાં કચ્છની સમૃદ્ધ જૈવ વિવિધતાનું વધુ એક રસપ્રદ ઉદાહરણ સામે આવ્યું છે.
૧૯ સપ્ટેમ્બરે વિશ્વ સર્પદંશ જાગૃતિ દિવસની ઉજવણીના સંદર્ભમાં કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં સાપ તથા અન્ય વન્યજીવો અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાઇનબોર્ડ, વન્યજીવ જાગૃતિ કાર્યક્રમો, પ્રકૃતિ શિક્ષણ શિબિરો સહિતના માધ્યમો દ્વારા લોકોને વન્યજીવો અંગે માહિતી આપવામાં આવી રહી છે.
આ દરમિયાન કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જના ખાવડા રાઉન્ડ હેઠળ આવતા જુણામાં વન વિભાગના ૫.વ.અ. જયેશ દુમાદીયા અને સ્થાનિક સ્ટાફ દ્વારા નિયમિત ફેરણું કરવામાં આવી રહ્યું હતું. સાંજના આશરે ૫:૩૦ વાગ્યાના સમયે એક જ સ્થળે બે અલગ પ્રજાતિના સાપ જોવા મળતાં વનકર્મીઓનું ધ્યાન ખેંચાયું હતું.
અવલોકન દરમિયાન પ્રથમ સાપ તરીકે રજવાડી સાપ અથવા Black-headed Royal Snake (Spalerosophis atriceps) જોવા મળ્યો હતો. આ પ્રજાતિ સંપૂર્ણપણે બિનઝેરી હોવાનું જણાવાયું છે. તેની સાથે રેતીયો સાપ અથવા Afro-Asian Sand Snake (Psammophis schokari) પણ જોવા મળ્યો હતો. આ પ્રજાતિ આંશિક ઝેરી છે, પરંતુ તેનું ઝેર માનવ માટે જીવલેણ માનવામાં આવતું નથી. ખાસ નોંધનીય બાબત એ છે કે રેતિયા સાપનો ગુજરાતમાં જોવા મળવાનો રેકોર્ડ અત્યંત દુર્લભ ગણાય છે.
કાળા ડુંગરની આસપાસનું કુદરતી વાતાવરણ અને કચ્છનું વિશિષ્ટ શુષ્ક નિવસનતંત્ર આવા વન્યજીવો માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન બની રહ્યું છે. એક જ વિસ્તારમાં આ બંને પ્રજાતિઓની હાજરી કચ્છની જૈવ વિવિધતાની વિશિષ્ટતાને ઉજાગર કરે છે.
વન વિભાગે સ્થાનિક લોકો તથા કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ રહેવા અને પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વિના સંરક્ષણના પ્રયાસોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar