લાખોના હાર્ટ ઓપરેશનનો ખર્ચ ટળ્યો, આયુષ્માન કાર્ડથી ગળપાદરની મહિલાને મળ્યું નવજીવ
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના પરિવાર માટે આયુષ્માન ભારત યોજના મુશ્કેલીના સમયે બની આશાનું કિરણ, ખાનગી હોસ્પિટલમાં હૃદયની સારવાર વિનામૂલ્યે મળતાં પરિવારની ચિંતા થઈ દૂર ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના એક પરિવાર માટે અચાનક
ગળપાદર આયુષ્યમાન કાર્ડ લાભાર્થી


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના પરિવાર માટે આયુષ્માન ભારત યોજના મુશ્કેલીના સમયે બની આશાનું કિરણ, ખાનગી હોસ્પિટલમાં હૃદયની સારવાર વિનામૂલ્યે મળતાં પરિવારની ચિંતા થઈ દૂર

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના એક પરિવાર માટે અચાનક સર્જાયેલી ગંભીર આરોગ્ય પરિસ્થિતિ વચ્ચે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પરિવારની એક મહિલાને હૃદયની ગંભીર તકલીફ થતાં તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન જરૂરી હોવાનું જણાતાં સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ આપવામાં આવ્યો હતો. આર્થિક રીતે મોટો પડકાર ઊભો થતાં પરિવાર ચિંતિત બન્યો હતો.

ગળપાદરના નીતિનભાઈ ગુંસાઈના માતાની તબિયત અચાનક લથડતાં પરિવારજનોએ તેમને સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબી તપાસ દરમિયાન હૃદયની ગંભીર સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. તબીબોએ વિલંબ કર્યા વિના ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. સારવારનો ખર્ચ લાખોમાં હોવાનું જાણવા મળતાં પરિવાર માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની હતી.

આ કપરા સમયે પરિવારને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળતી સારવાર અંગે માહિતી મળી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને આયુષ્માન કાર્ડ મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્ડની મદદથી આદિપુરની ખાનગી હોસ્પિટલમાં મહિલાની હૃદય સંબંધિત સારવાર અને જરૂરી ઓપરેશન કોઈપણ નાણાકીય બોજ વિના કરવામાં આવ્યું હતું.

સમયસર મળેલી તબીબી સારવાર બાદ મહિલાની તબિયતમાં સુધારો આવ્યો અને હવે તેઓ સ્વસ્થ જીવન તરફ પરત ફર્યા છે. પરિવાર માટે આ સમગ્ર અનુભવ માત્ર સારવાર પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ મુશ્કેલીના સમયે સરકારી આરોગ્ય યોજનાઓ કેવી રીતે આર્થિક સહારો બની શકે તેનું ઉદાહરણ પણ બન્યો છે.

નીતિનભાઈ ગુંસાઈએ જણાવ્યું કે, પરિવાર માટે આ મુશ્કેલ ઘડીમાં આયુષ્માન કાર્ડ ખૂબ ઉપયોગી સાબિત થયું. લાખો રૂપિયાનો ખર્ચ કરવાની સ્થિતિ ન હોવા છતાં માતાની જરૂરી સારવાર થઈ શકી અને આજે તેઓ સ્વસ્થ છે. તેમણે અન્ય જરૂરિયાતમંદ પરિવારોને પણ સરકારની આરોગ્ય યોજનાઓ અંગે માહિતી મેળવી તેનો લાભ લેવા અપીલ કરી હતી.

ગળપાદરની આ ઘટના દર્શાવે છે કે યોગ્ય સમયે આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ મળે તો ગંભીર બીમારીની સારવાર સામે ઉભી થતી આર્થિક મુશ્કેલીને પણ ઘણી હદ સુધી હળવી કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande