



કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી વિવિધ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને રાપર તાલુકામાં યોજાયેલા કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓ, વન વિભાગના પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ભુજ ખાતે ટપકેશ્વરી રોડ પર આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એન.સી.સી.ના વિદ્યાર્થીઓ તથા વિવિધ પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને તેમની જાળવણી કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
વૃક્ષારોપણને માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રાખી વાવેલા રોપાઓની નિયમિત સંભાળ અને જતન કરવામાં આવે તો પર્યાવરણ પર તેની લાંબા ગાળાની સકારાત્મક અસર થઈ શકે છે. વિદ્યાર્થીઓની ભાગીદારીથી યોજાયેલા કાર્યક્રમથી યુવા પેઢીમાં પણ વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તેવો પ્રયાસ જોવા મળ્યો હતો.
બીજી તરફ રાપર તાલુકાના સેલારી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વન સંરક્ષણ અને હરિયાળી વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કચ્છ જેવા ભૌગોલિક અને આબોહવાકીય રીતે પડકારજનક વિસ્તારમાં વૃક્ષોનું મહત્વ વિશેષ છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાની સાથે આગામી પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ ઊભું કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ભુજથી રાપર સુધી યોજાયેલા આ કાર્યક્રમોએ સેવા સંકલ્પ અભિયાનને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને વૃક્ષારોપણને જનભાગીદારીની પ્રવૃત્તિ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar