
મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે અધિકારીઓને જનપ્રતિનિધિઓની રજૂઆતોનો નિયત સમયમર્યાદામાં નિકાલ કરવા અને પ્રજાલક્ષી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલે જિલ્લાના બાકી માર્ગોના કામો વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે મોટપ-કકાસણા વચ્ચે રૂપેણ નદી પર કોઝવે નાળાની કામગીરી, ખેરવા ખાતે ગેટ નંબર-1 પર સર્કલ, ખેરવા-નારદીપુર એસ.એચ.-217ને ફોરલેન કરવા તેમજ લાડોલની ડ્રેનેજ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા અને ચાંદીપુરા અંગેની જાગૃતિ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ સતલાસણા તાલુકાના હડોલ વિસ્તારમાં ગ્રેનાઈટ લીઝ અને જમીન માપણીના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્યો દ્વારા પોલીસ સ્ટેશન, દબાણ, વળતર, શાળાના ઓરડા, પાંજરાપોળ અને બસ સેવા સહિતના મુદ્દાઓ રજૂ કરાયા હતા. કલેક્ટરે પેન્શન, ઓડિટ પેરા, ખાતાકીય તપાસ અને અરજદારોના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે પણ સૂચના આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR