
મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ ઉત્સવ-2026 અંતર્ગત 18 સપ્ટેમ્બરે જિલ્લા પંચાયત ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ટી.એચ.આર. (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) તથા મિલેટ (શ્રીઅન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુલ 90 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. ઘટક કક્ષાએ ટી.એચ.આર. અને મિલેટની વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર કાર્યકરોએ જિલ્લા કક્ષાએ વિવિધ વાનગીઓ રજૂ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ પોષણયુક્ત આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે માતા અને બાળકો સુધી પોષણયુક્ત આહારનો સંદેશ પહોંચાડવામાં આંગણવાડી કાર્યકરોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી પોષણલક્ષી પ્રવૃત્તિઓ વધુ અસરકારક રીતે હાથ ધરવા પ્રેરણા આપી હતી.
સ્પર્ધાના મૂલ્યાંકન માટે આરોગ્ય વિભાગના ન્યુટ્રીશન પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરના પ્રિન્સિપાલ સહિતના નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધા દ્વારા મિલેટ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક અનાજ આધારિત વાનગીઓને પ્રોત્સાહન આપવા તેમજ માતા અને બાળકોમાં વૈવિધ્યસભર પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR