
મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં 10 કે તેથી વધુ શ્રમિકો ધરાવતી તમામ સંસ્થાઓ માટે ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે. ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ-2020 અંતર્ગત શ્રમિકોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરવામાં આવી છે.
મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા જણાવ્યા મુજબ ફેક્ટરી, બાંધકામ સાઇટ ઉપરાંત યુનિવર્સિટી, શાળા, કોલેજ, હોસ્પિટલ, NGO, સહકારી મંડળી, હોટલ, રેસ્ટોરન્ટ, મોલ-મલ્ટિપ્લેક્સ, કરિયાણાની દુકાન, IT કંપની, સિક્યુરિટી એજન્સી અને ટ્રાન્સપોર્ટ ઓફિસ સહિતની સંસ્થાઓમાં 10 કે તેથી વધુ શ્રમિકો હોય તો નોંધણી કરાવવાની રહેશે. ગુમાસ્તા ધારા હેઠળ નોંધણી ન હોય અથવા ગ્રામ પંચાયત હેઠળ આવતી સંસ્થાઓને પણ આ જોગવાઈ લાગુ પડશે.
નવી સંસ્થાઓએ કોડ લાગુ થયાના 60 દિવસમાં ફોર્મ-1 દ્વારા ઓનલાઇન નોંધણી કરવાની રહેશે. જ્યારે અગાઉના શ્રમ કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓએ 180 દિવસમાં વિગતો અપડેટ કરી નવું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. અગાઉથી ફેક્ટરી એક્ટ, BOCW, PF અથવા ESIC હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પાસેથી નોંધણી ફી લેવામાં આવશે નહીં.
નિયમોનું પાલન નહીં કરનાર સંસ્થાને કલમ-94 હેઠળ રૂ. 2 લાખથી રૂ. 3 લાખ સુધીનો દંડ થઈ શકે છે. નોંધણી માટે https://shramsetu.gujarat.gov.in પર પ્રક્રિયા કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR