
સુરત, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા તેમના મતવિસ્તારના પ્રજાના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સંકલન અને તાલમેલ સાધીને પ્રશ્નોનો સમયમર્યાદામાં કાયમી નિકાલ કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી તથા ધારાસભ્યો સંદીપ દેસાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા અને મુકેશભાઈ પટેલ દ્વારા પ્રજાના રોજબરોજના પ્રશ્નો તેમજ અગાઉ મળેલી લેખિત અને મૌખિક રજૂઆતો અંગે સંબંધિત વિભાગો પાસેથી કામગીરીની પ્રગતિ અને નિરાકરણની રજૂઆત કરવામાં આવી હતી.
વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા
સંકલન બેઠકમાં ‘કેચ ધ રેઇન’, ટ્રાફિક સમસ્યા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટ, પશુ દવાખાના, પીવાના પાણીની પાઇપલાઇન, પ્રોપર્ટી કાર્ડ, ખાડીમાં છોડાતા ગંદા પાણીનો નિકાલ, નોટિફાઇડ વિસ્તારમાં પીવાનું પાણી, જેટકો અને જી.ઈ.બી.ના વીજ વાયરો, બોરવેલ, ટેન્કર મારફતે પાણીનું પરિવહન તથા રેતી ખનન સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
કલેક્ટર તેજસ પરમારે સંબંધિત અધિકારીઓને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી તેની જાણ જિલ્લા કચેરીને કરવા સૂચના આપી હતી. જરૂર જણાય ત્યારે જનપ્રતિનિધિઓ સાથે અલગ બેઠક યોજી તેમની રજૂઆતોનું સંતોષકારક નિરાકરણ લાવવા પણ જણાવ્યું હતું.
જિલ્લા કામગીરી અને સેવા સેતુ અંગે સમીક્ષા
બેઠકના બીજા ભાગમાં નાગરિક અધિકારપત્ર, પડતર પ્રશ્નો અને સીએમ ડેશબોર્ડ પર વિવિધ વિભાગોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિભાગોને કામગીરીની એન્ટ્રી નિયમિત રીતે કરી પ્રગતિ અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં સુરત જિલ્લો ડેશબોર્ડ રેન્કિંગમાં 27મા ક્રમે હોવાનું જણાવાયું હતું અને તેમાં સુધારો કરવા સામૂહિક પ્રયાસો કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં યોજાનારા સેવા સેતુ કાર્યક્રમમાં 100 ટકા સંતૃપ્તિ હાંસલ કરવા તથા તમામ સંબંધિત વિભાગોની હાજરી સુનિશ્ચિત કરવા પણ ભાર મૂકાયો હતો. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સંબંધિત વિભાગોને સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને સફાઈ અભિયાનમાં સક્રિય ભાગ લેવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીણા, પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટર, પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે