
Gujarat, 19 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ એસ.ટી. ડેપો ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને સ્વચ્છતાની સ્થિતિ અંગે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડેપો પરિસરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તેમજ ગંદકી જોવા મળતા સંબંધિત લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી કુલ 11.5 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. જાહેર સ્થળોએ પ્લાસ્ટિકના વધતા ઉપયોગને અટકાવવા તેમજ સ્વચ્છતા જાળવવાના હેતુથી હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ રૂ. 9,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અધિકારીઓ દ્વારા એસ.ટી. ડેપોના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી સ્વચ્છતા અંગેની સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવી હતી. ડેપો પરિસરમાં કચરો ન ફેલાવવા, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે આવી તપાસ અને કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે નિયમિત તપાસ થવાથી જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહેવાની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA