
- નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશે.
અમદાવાદ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની આવતીકાલ 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ગુજરાત મુલાકાત રદ્દ કરવામાં આવી છે. અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાવાના હતા, જે હવે મુલતવી રાખવામાં આવ્યા છે.
અમિત શાહ 3 સપ્ટેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા. પ્રવાસ દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના કાર્યક્રમો નિર્ધારિત હતા.આ ઉપરાંત રેલવે અને અન્ય વિકાસકાર્યો સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના હતા. જોકે, હવે પ્રવાસ રદ્દ થતાં 3થી 5 સપ્ટેમ્બર દરમિયાનના તમામ નિર્ધારિત કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.
અમિત શાહના ગુજરાત પ્રવાસની નવી તારીખ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નવી તારીખ નક્કી થયા બાદ મુલતવી રાખવામાં આવેલા વિકાસકાર્યોના કાર્યક્રમો ફરીથી યોજાય તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ