
નવસારી, 02 સપ્ટેમ્બર (હિ.સ.) નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ગણદેવી તાલુકાના ગણદેવા ગામની આકસ્મિક મુલાકાત લઈ ગામની વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ કરી સ્થાનિક પ્રશ્નો અને પાયાની સુવિધાઓ અંગેની રજૂઆતો સાંભળી હતી. સાથે જ ગામમાં આવેલ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની આકસ્મિક મુલાકાત લઈને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને કરવામાં આવતા અનાજ વિતરણની કામગીરીની પણ સઘન તપાસ કરી હતી.
કલેક્ટર મનીષ ગુરવાનીએ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક પાસેથી અનાજના જથ્થાની આવક-જાવક, વિતરણ તથા સ્ટોક સંબંધિત વિગતો મેળવી હતી. અનાજના જથ્થામાં થતી વધઘટ, લાભાર્થીઓના રેશનકાર્ડ, વિતરણની નોંધો, ગ્રાહકોને આપવામાં આવતા અનાજના જથ્થા તેમજ ભંડાર ખાતે પ્રદર્શિત કરવામાં આવેલા અનાજ વિતરણના બોર્ડ સહિતની વિગતોની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આ દરમિયાન કલેક્ટરએ રેશનકાર્ડ ધારક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી અનાજ વિતરણની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. તપાસમાં ગ્રાહક ભંડારના સંચાલનમાં ક્ષતિઓ જણાતા કલેક્ટરએ જાહેર વિતરણ વ્યવસ્થામાં કોઈપણ બેદરકારી કે ગેરરીતિ સાંખી નહીં લેવાય તેમ સ્પષ્ટપણે જણાવી જવાબદાર સંચાલક સામે નિયમોનુસાર કડક કાર્યવાહી, બાકી દંડની તાત્કાલિક વસૂલાત તથા જરૂરી જણાય તો લાઇસન્સ રદ કરવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી.
ત્યારબાદ કલેક્ટરએ ગ્રામપંચાયતમાં ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ કરી ગામની પાયાની સુવિધાઓ તથા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો સાંભળી હતી. ગ્રામજનો દ્વારા આંગણવાડી અને શાળાને લગતા પ્રશ્નો, ITIના જર્જરિત મકાન, ગામમાં સ્ટ્રીટલાઇટની સુવિધા, વીજળી સંબંધિત DGVCLના પ્રશ્નો તેમજ અન્ય સ્થાનિક સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
ગણદેવા વિસ્તારમાંથી પસાર થતા હાઇવે પર લારી-દુકાનો દ્વારા કરવામાં આવતા પાર્કિંગના કારણે સર્જાતી સમસ્યાઓ અંગે પણ ગ્રામજનોએ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. ગ્રામજનોની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી કલેક્ટરએ સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી અને પ્રશ્નોના સ્થળ પરિસ્થિતિના આધારે નિયમોનુસાર નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના સત્વરે અને સમયબદ્ધ નિરાકરણ માટે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચના આપી હતી. વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે અને ગ્રામજનોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે પણ તેમણે ભાર મૂક્યો હતો.
આ મુલાકાત દરમિયાન ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગસીયા, ગણદેવી મામલતદાર દીપિકા રોઝ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, ગામના આગેવાનો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે