રાંધણ છઠ્ઠે ઘરે પકવાન બનાવવાની પ્રથા મંદ પડી: બજારમાં રેડીમેડ મીઠાઈ-ફરસાણનો ક્રેઝ
જામનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : બદલાતા સમય અને રેડીમેડ યુગના આગમન સાથે તહેવારો પર ઘરે-ઘરે મીઠાઈ અને ફરસાણ બનાવવાની જૂની પ્રથા હવે આંશિક રીતે લુપ્ત થઈ રહી છે. રાંધણછઠ્ઠ જેવા તહેવારે પહેલાં ઘરે-ઘરે તાવડા મંડાઈ જતા અને લાડુ, મોહનથાળ કે શક્કરપારા બનાવવ
બજારમાં મીઠાઈ અને ફરસાણ ની ધૂમ


જામનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : બદલાતા સમય અને રેડીમેડ યુગના આગમન સાથે તહેવારો પર ઘરે-ઘરે મીઠાઈ અને ફરસાણ બનાવવાની જૂની પ્રથા હવે આંશિક રીતે લુપ્ત થઈ રહી છે. રાંધણછઠ્ઠ જેવા તહેવારે પહેલાં ઘરે-ઘરે તાવડા મંડાઈ જતા અને લાડુ, મોહનથાળ કે શક્કરપારા બનાવવાનો ઉત્સાહ જોવા મળતો હતો, જે હવે ઓછો થયો છે. હવે લોકો મોટા ભાગે બજારમાંથી જ રેડીમેડ ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. જોકે, આ વર્ષે ખાંડ અને અન્ય ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારા અને મોંઘવારીના કારણે બજારની ઘરાકી પર પણ ૨૦ ટકા જેટલી વિપરીત અસર જોવા મળી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, પહેલાં સંયુક્ત પરિવારો હતા, પરંતુ હવે વિભક્ત અને નાના પરિવારો થઈ જવાથી ઘરે જાતજાતના પકવાનો બનાવવાનો ઉત્સાહ ઘટ્યો છે, જેના લીધે દુકાનો પર ઘરાકી રહે છે. હાલમાં ખાંડનો ભાવ રૂ. ૭૦ પ્રતિ કિલો પહોંચતાં મીઠાઈના ભાવમાં પણ ૨૦ ટકાનો વધારો કરવો પડ્યો છે.

બજારમાં વેજિટેબલમાં બનેલા લીસા લાડવાનો ભાવ રૂ. ૨૮૦ પ્રતિ કિલો અને શુદ્ધ ઘીના લાડુનો ભાવ રૂ. ૫૪૦ થયો છે. ઘરે બનાવવાની પ્રથા ભલે મંદ પડી હોય, પરંતુ પરંપરાગત વાનગીઓની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. ફરસાણમાં ચણાના મઠિયા, ફાફડા, ઝીણી સેવ, બુંદી, તીખા અને ભાવનગરી ગાંઠિયા તથા મીઠાઈમાં લીસા લાડવા, મોહનથાળ અને બુંદીના લાડુ જેવી વાનગીઓનું આજે પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande