
દમણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.વિવિધ NDPS કેસોમાં જપ્ત કરવામાં આવેલા કુલ 94.276 કિલોગ્રામ નશીલા પદાર્થોનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ, દાદરા અને નગર હવેલી જિલ્લામાં નોંધાયેલા 22 NDPS કેસોમાંથી 75.654 કિલોગ્રામ, જ્યારે દમણ જિલ્લામાં નોંધાયેલા 5 કેસોમાંથી 18.620 કિલોગ્રામ જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નિર્ધારિત પ્રક્રિયા મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત, નશીલા પદાર્થોના ગુનામાં સંડોવાયેલા એક રીઢા ગુનેગાર સામે પણ મોટી આર્થિક કાર્યવાહી કરવામાં આવી છે. DNH જિલ્લામાં અંદાજે ₹88 લાખની કિંમતની મિલકત કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત/ટાંચમાં લેવામાં આવી છે.પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્કને નિયંત્રિત કરવાની સાથે સાથે આવા ગુનાઓમાંથી થતા આર્થિક લાભને પણ અટકાવવાનો છે.પ્રશાસકના માર્ગદર્શન હેઠળ DNH&DD પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ નશીલા પદાર્થોની હેરાફેરી, કબજો અને વિતરણ કરનાર તત્વો સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્ક સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને પણ ડ્રગ્સથી દૂર રહેવા અને “નશીલી દવાઓને ના કહો” તેવી અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha