
પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં 2 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને ગોકુળ અને મથુરા સુધીની વિવિધ પરંપરાગત ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના સંચાલક કમલબા ઇશાંતસિંહજી દેવડા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની આરતી સાથે કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં પ્રેરણા બાલમંદિર, પ્રેરણા મંદિર પ્રાથમિક શાળા અને શ્રી એન.બી. પટેલ પ્રેરણા મંદિર માધ્યમિક શાળાના જુનિયર કેજીથી ધોરણ 10 સુધીના આશરે 500 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સવારે 9:30થી બપોરે 3 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી કૃષ્ણ ભજનો પર અભિનય ગીતો, રાસ-ગરબા અને વિવિધ નાટકો રજૂ કર્યા હતા.
ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ માટે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સૌનું આકર્ષણ વધાર્યું હતું. સમગ્ર શાળા પરિસર કૃષ્ણમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક કમલબા ઇશાંતસિંહજી દેવડા અને સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી જન્માષ્ટમીની ઉજવણી યાદગાર બની હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ