આડેસરના હત્યા કેસમાં બે મહિનાથી ફરાર આરોપી ઝડપાયો, માણાબાની સીમમાંથી પોલીસે દબોચ્યો
કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના રાપર તાલુકાના આડેસર વિસ્તારમાં બનેલા ચકચારી હત્યાકાંડમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે મહિનાથી પોલીસથી બચીને ફરતા સહઆરોપીને આડેસર અને ગાગોદર પોલીસે સંયુક્ત કામગીરી કરીને ઝ
આડેસર હત્યા કેસનો આરોપી


કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના રાપર તાલુકાના આડેસર વિસ્તારમાં બનેલા ચકચારી હત્યાકાંડમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે મહિનાથી પોલીસથી બચીને ફરતા સહઆરોપીને આડેસર અને ગાગોદર પોલીસે સંયુક્ત કામગીરી કરીને ઝડપી પાડ્યો છે. માણાબા ગામની સીમ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ મામલે મળતી વિગતો મુજબ, આડેસર પોલીસ સ્ટેશનમાં હત્યાના બનાવ અંગે BNSની કલમ 103(2), 126 અને 61(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઝડપથી ઝડપી લેવા માટે બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સાથે ગાગોદર પોલીસનો સહયોગ પણ લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને આરોપી રમેશ નાગજી ભરવાડ અંગે મહત્વની માહિતી મળી હતી. ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સીસના આધારે પોલીસ ટીમે માણાબા ગામની સીમ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

આ દરમિયાન પોલીસના હાથે રમેશ નાગજી ભરવાડ, ઉંમર 30 વર્ષ, રહે. માણાબા, તા. રાપર, જી. કચ્છ ઝડપાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અન્ય આરોપીઓ સાથે મળી કથિત રીતે ગુનાહિત કાવતરું રચી મરણજનાર વિજય કાપડીને રાજસ્થાન લઈ ગયો હતો, જ્યાં તેને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

હત્યાના બનાવ બાદ આરોપી છેલ્લા બે મહિનાથી ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે સમગ્ર હત્યા પ્રકરણમાં તેની ભૂમિકા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સફળ કામગીરીમાં આડેસર પોલીસ સ્ટેશનના PI જે.બી. આચાર્ય, ગાગોદર પોલીસ સ્ટેશનના PI એમ.જે. હુણ તથા બંને પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande