


કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : યુવાનોમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે અને ચેપી રોગો વિશેની ગેરમાન્યતાઓ દૂર થાય તે હેતુથી આદિપુર સ્થિત તોલાણી કોમર્સ કોલેજ ખાતે રેડ રિબન ક્લબ (RRC)ના નેજા હેઠળ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં HIV, ટીબી, હિપેટાઇટિસ અને સિફિલિસ જેવા ચેપી રોગો અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ટીબી-એચઆઈવી અધિકારી ડૉ. મનોજ દવેની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વિવિધ ચેપી રોગોના કારણો, સંક્રમણ કેવી રીતે ફેલાય છે, તેના સંભવિત લક્ષણો તેમજ રોગથી બચવા માટે રાખવાની જરૂરી સાવચેતી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. તેમણે રોગની શરૂઆતમાં જ યોગ્ય તપાસ કરાવવાનું મહત્વ સમજાવતાં વહેલું નિદાન અને સમયસર સારવારથી આરોગ્યની જટિલતાઓને ટાળી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ માટે હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ART સેન્ટરના મેડિકલ ઓફિસર, ICTC કાઉન્સેલર અને ART કાઉન્સેલરે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ચેપી રોગોથી બચવાના ઉપાયો, જરૂરી આરોગ્ય તપાસ અને સારવાર પ્રત્યે જાગૃત રહેવા અંગે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.
વિદ્યાર્થીઓને માત્ર માહિતી પૂરતી સીમિત ન રાખી વિષયને વધુ રસપ્રદ અને સમજણસભર બનાવવા માટે HIV, ટીબી, હિપેટાઇટિસ અને સિફિલિસ આધારિત ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની જાણકારીનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમના સફળ આયોજન અને સહયોગ બદલ તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મનીષ પંડ્યા તથા કોલેજ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar