

કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજમાં સોશિયલ મીડિયા મારફતે લોકોને આર્થિક લાલચ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા બે શખ્સોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર અલગ-અલગ નામથી આઈડી અને ગ્રુપ બનાવી ભારતીય ચલણી નોટો તેમજ સસ્તા સોનાના બિસ્કિટના વીડિયો વાયરલ કરી લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ભુજના સરપટ નાકા બહાર આવેલા શેખ ફળિયામાં રહેતા 26 વર્ષીય અજરૂદીન કાસમશા શેખ અને 22 વર્ષીય અલીશા કાસમશા શેખને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને શખ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવા વીડિયો બનાવતા હતા, જેમાં અલગ-અલગ બોક્સ અને થેલીઓમાં ચલણી નોટોના બંડલ હોવાનું દર્શાવવામાં આવતું હતું. આ વીડિયોમાં એક લાખ રૂપિયા આપવાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ ઉપરાંત બજારભાવ કરતાં ખૂબ જ સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની વાત કરી લોકોને આકર્ષવામાં આવતા હતા.
LCBને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ભુજમાં વાહેદના સ્કૂલ ગ્રાઉન્ડ પાસે કાર્યવાહી કરી હતી. બંને આરોપીઓ ગ્રાન્ડ i10 કારમાં હાજર હતા. પોલીસે કારની તલાશી લેતા નોટોના બંડલ, સોના જેવી ધાતુના બિસ્કિટ, મોબાઇલ ફોન, નોટ ગણવાનું મશીન અને કાર સહિત કુલ અંદાજે રૂ.5.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં સાચી ભારતીય ચલણની કુલ 22 નોટો ઉપરાંત ‘ભારતીય મનોરંજન’ લખેલી 534 નોટોના બંડલ, સોના જેવી ધાતુના 14 બિસ્કિટ, બે મોબાઇલ ફોન, નોટ ગણવાનું મશીન અને ગ્રાન્ડ i10 કારનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં બંને આરોપીઓ અગાઉ પણ છેતરપિંડીના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સોશિયલ મીડિયા મારફતે આવા લોભામણા પ્રલોભનો આપી લોકોને છેતરતી ગેંગ અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar