ખડીરની 4 વર્ષની ક્રિશાના જીવનમાં ‘શ્રવણનો સૂર’ પરત ફર્યો: RBSKની સમયસર ઓળખથી સોલા સિવિલમાં નિઃશુલ્ક કોક્લિયર ઇમ્પ્લાન્ટ સફળ
કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના ભચાઉ તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ખડીર પંથકના બાંભણકા ગામની માત્ર ચાર વર્ષની બાળકી ક્રિશા નાગજીભાઈ મારાજ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) આશીર્વાદરૂપ સાબિત થયો છે. જન્મથી જ સાંભળવાની ક્ષમતાથી વંચિત ર
ખડિર ની લાભાર્થી ક્રિશા


કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના ભચાઉ તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ખડીર પંથકના બાંભણકા ગામની માત્ર ચાર વર્ષની બાળકી ક્રિશા નાગજીભાઈ મારાજ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) આશીર્વાદરૂપ સાબિત થયો છે. જન્મથી જ સાંભળવાની ક્ષમતાથી વંચિત રહેલી ક્રિશાની તકલીફની સમયસર ઓળખ થતાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. સરકારની આરોગ્ય યોજના હેઠળ થયેલી આ મોંઘી સારવાર પરિવાર માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે થઈ છે.

સરકાર દ્વારા ૦થી ૧૮ વર્ષના બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે અમલમાં મૂકાયેલ RBSK હેઠળ બાળકોમાં વિવિધ જન્મજાત તથા શારીરિક ખામીઓની વહેલી તકે તપાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત 4D એટલે કે જન્મજાત ખામીઓ, બીમારીઓ, ઉણપો અને વિકાસલક્ષી સમસ્યાઓની ઓળખ કરીને જરૂરી સારવાર માટે માર્ગદર્શન અને રિફરલ આપવામાં આવે છે.

ભચાઉ તાલુકામાં આંગણવાડી તથા શાળાના બાળકોની આરોગ્ય તપાસ દરમિયાન RBSK ટીમની નજર ક્રિશા પર પડી હતી. તપાસ દરમિયાન બાળકી જન્મથી જ સાંભળી શકતી ન હોવાની ગંભીર બાબત સામે આવી હતી. આ માહિતી મળતા જ RBSK ભચાઉ ટીમના ડૉ. નિરાલીબા ઝાલા, ડૉ. તેજસ વ્યાસ સહિતના આરોગ્યકર્મીઓએ પરિવારને જરૂરી સમજ આપી અને આગળની સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંઘના માર્ગદર્શન હેઠળ ક્રિશાને વધુ તપાસ અને સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સતત ફોલોઅપ રાખવામાં આવ્યું. અંતે ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ક્રિશાનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

ઓપરેશન બાદ ક્રિશાના પરિવાર માટે આ ક્ષણ અત્યંત આનંદદાયક બની છે. બાળકીના શ્રવણ અને ત્યારબાદ બોલવાના વિકાસ માટે નવી આશા જન્મી છે. અંતરિયાળ વિસ્તારના એક બાળક સુધી સરકારી આરોગ્ય સેવાની પહોંચ અને સમયસર સારવાર કેવી રીતે જીવન બદલી શકે છે, તેનું ક્રિશાનું ઉદાહરણ પ્રેરણાદાયક બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande