

- પોતે કિડની ફેઇલ્યોરની વેદના ભોગવનાર દીલીપભાઈના પરિવારે બ્રેઇનડેડ બાદ લીવર-આંખોનું દાન કરી ત્રણ જીવન રોશન કર્યા
અમદાવાદ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાની વધુ એક અત્યંત પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. મૂળ બોટાદના અને હાલ અમદાવાદ ખાતે રહેતા 54 વર્ષીય દીલીપભાઈ માંડલીયા બ્રેઇનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ લીવર અને બંને આંખોનું દાન કરવાનો માનવતાભર્યો નિર્ણય લીધો હતો. આ અંગદાનથી એક જરૂરિયાતમંદ દર્દીને લીવર મારફતે નવું જીવન અને બે વ્યક્તિઓને આંખો મારફતે નવી દૃષ્ટિ પ્રાપ્ત થશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૫૪ વર્ષીય દીલીપભાઈ છેલ્લા છ મહિનાથી કિડની ફેઇલ્યોરની ગંભીર પીડા ભોગવી રહ્યા હતા અને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસીસ કરાવતા હતા. તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ તેઓ અચાનક ઘરે બેભાન થઈ જતાં પરિવારજનો તેમને સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન તેમને બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું, જેથી ICUમાં તબીબોની ટીમ દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, તબીબી પ્રયાસો છતાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. ભાવેશ પ્રજાપતિ દ્વારા દીલીપભાઈના પત્ની અને મોટાભાઈને બ્રેઇનડેડ અવસ્થા તથા અંગદાનના મહત્ત્વ અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. દીલીપભાઈ પોતે છેલ્લા છ મહિનાથી કિડની ફેઇલ્યોરની અસહ્ય પીડા ભોગવી રહ્યા હોવાથી તેમનો પરિવાર અંગ ફેઇલ્યોર દર્દીઓની તકલીફો અને અંગ પ્રત્યારોપણના મહત્ત્વથી પરિચિત હતો. આથી અન્ય કોઈ અંગફેઇલ્યોર દર્દીને નવું જીવનદાન મળી શકે તેવા ઉદાત હેતુથી પરિવારે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના અંગદાન માટે સહર્ષ સંમતિ આપી હતી.
દીલીપભાઈના પરિવારના આ ઉમદા નિર્ણયને બિરદાવતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “દીલીપભાઈ પોતે કિડની ફેઇલ્યોરની પીડા અને ડાયાલિસીસની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેથી તેમના પરિવારજનો અંગ ફેઇલ્યોર દર્દીઓની વેદના ખૂબ સારી રીતે સમજતા હતા. પોતાના સ્વજનને ગુમાવવાની અસહ્ય ઘડીમાં પણ તેમણે અન્ય દર્દીના જીવનને બચાવવા માટે અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ખરેખર માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.”
દાનમાં પ્રાપ્ત થયેલા લીવરનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે. જ્યારે દાનમાં મળેલી બંને આંખો સિવિલ મેડિસિટી કેમ્પસની એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઑપ્થેલ્મોલોજી દ્વારા સ્વીકારવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી અંગદાન ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરીની રૂપરેખા આપતાં ડૉ. રાકેશ જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ ૨૫૩ અંગદાતાઓ પાસેથી ૮૩૬ અંગોનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ૨૦૨ ચક્ષુ અને ૪૮ ચામડી (સ્કિન) સહિત કુલ ૨૫૦ પેશીઓનું દાન મળ્યું છે. આમ, આજદિન સુધી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૫૩ અંગદાતાઓના માધ્યમથી કુલ ૧૦૮૬ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત કરી અગણિત લોકોને નવજીવન અને દૃષ્ટિ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં મળેલા અંગદાનમાં ૨૨૭ લીવર, ૪૬૬ કિડની, ૨૧ સ્વાદુપિંડ, ૮૦ હૃદય, ૩૪ ફેફસાં, ૬ હાથ અને ૨ નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૦૨ ચક્ષુઓ અને ૪૮ ચામડીનું દાન પણ સફળતાપૂર્વક મેળવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ