
પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ LCB પોલીસે શંખેશ્વરના આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા તાજિયા ગેંગના સાગરીત માજીરાણા ડાહ્યાજીને રાધનપુરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા સતત ફરાર હતો.
શંખેશ્વર પોલીસે અગાઉ સૈયદ મઝહરહુસૈનને દેશી હાથબનાવટના તમંચા અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં હથિયાર રાધનપુરના કુંતાસરીના માજીરાણા ડાહ્યાજી પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું.
ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે માજીરાણાને ઝડપી પાડ્યા બાદ તેના કુંતાસરી સ્થિત ઘરે દરોડો પાડ્યો હતો. અહીંથી ₹27,296ની કિંમતની વિદેશી દારૂની 42 બોટલો જપ્ત કરાઈ હતી.
દારૂનો જથ્થો મળી આવતાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માજીરાણા ડાહ્યાજી સામે અગાઉ અમદાવાદ DCB, મોરબી, ડીસા, જામનગર, ધાનેરા અને રાધનપુર સહિતના વિસ્તારોમાં 18 ગંભીર ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં હત્યાની કોશિશ, ધાડ, લૂંટ, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુનાઓ સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ