સુરતમાં બિલ્ડરની જાહેરમાં હત્યા: બ્રિજ પર હુમલો કરી આરોપીઓ ફરાર
સુરત, 02 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર મોડી રાત્રે એક ચકચાર મચાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા 55 વર્ષીય ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તા પર ચાર હુમલાખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ જાહેર રસ્તા પ
Public murder of builder


સુરત, 02 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર મોડી રાત્રે એક ચકચાર મચાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા 55 વર્ષીય ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તા પર ચાર હુમલાખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ જાહેર રસ્તા પર છરીના અનેક ઘા ઝીંકતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલા બાદ ચારેય શખ્સ બે મોપેડ પર સવાર થઈ રોંગ સાઇડથી પંડોળ તરફ ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરો પહેલેથી જ ફૈસલનો પીછો કરી રહ્યા હતા. બ્રિજ પર યોગ્ય તક મળતાં જ તેમણે હુમલો કર્યો હતો. CCTVમાં કેદ થયેલા મોપેડના નંબરના આધારે પોલીસે ભાઠેના વિસ્તારના વસીમ અને અભિષેક સહિત કેટલાક શંકાસ્પદોની ઓળખ કરી છે. વાહનના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ જમીન સંબંધિત વિવાદ અથવા ક્રિપ્ટોકરન્સી (USDT)ના વ્યવહારો કારણભૂત હોઈ શકે છે. ફૈસલ જમીન દલાલી, કન્સ્ટ્રક્શન અને ક્રિપ્ટોકરન્સીના ધંધા સાથે જોડાયેલા હતા તેમજ તેમનું દુબઈ આવવા-જવાનું પણ રહેતું હતું. હાલ પોલીસે તેમના મોબાઇલના કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) સહિત અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ શરૂ કરી છે જેથી હત્યા પાછળના સૂત્રધાર સુધી પહોંચી શકાય.

ચોકબજાર પોલીસ સ્ટેશનના PI એસ.ડી. રાતડાના જણાવ્યા મુજબ કેસ ઉકેલવા માટે ચોકબજાર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, SOG અને LCB સહિત કુલ 10 ટીમોને તપાસમાં જોડવામાં આવી છે. અત્યાર સુધીમાં 300થી વધુ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી છે તેમજ 50થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ કરી હોવાનું જણાવ્યું છે અને તેમની ઝડપી ધરપકડ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande