
જામનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. ૧ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત પરંપરાગત શ્રાવણી લોકમેળાની સલામતીના મુદ્દે કરાયેલી અરજીમાં કોર્ટે મેળા પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કાનૂની ગૂંચવણ અને મંગળવારે યોજાયેલી સુનાવણી બાદ હવે આ મામલે વધુ સુનાવણી ૩ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. કોર્ટે સ્ટે આપવાની અરજી નકારી કાઢતાં મેળાનો પ્રારંભ તો થયો હતો, પરંતુ મોટી રાઈડ્સ માટેના લાઈસન્સ ન મળતાં પ્રથમ દિવસે લોકમેળો મહદઅંશે ઝાંખો અને ફિક્કો જોવા મળ્યો હતો.
અહેવાલ અનુસાર, સાંજે મોડે સુધી મોટી રાઈડ્સ અને ચકડોળ માટે જરૂરી લાઈસન્સના પરફોર્મન્સનું ચક્કર ચાલુ રહેતાં મનોરંજનના મુખ્ય સાધનો શરૂ થઈ શક્યા ન હતા. અગાઉ મ્યુનિસિપલ કમિશનર તથા યાંત્રિક વિભાગની ટીમે પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચીને જરૂરી વ્યવસ્થાઓ અને રાઈડ્સની ચકાસણી કરી હતી. બીજી તરફ, મહાનગરપાલિકાને પ્લોટ હરાજીમાં પણ મોટો આંચકો લાગ્યો છે. મશીન મનોરંજન અને આઈસ્ક્રીમના બે સહિત કુલ ચાર પ્લોટ માટે યોજાયેલી ત્રીજી વારની હરાજીમાં પણ કોઈ બોલી લગાવનાર સામે ન આવતાં તે તદ્દન ફ્લોપ નીવડી હતી, જેથી મનપા હવે તે જગ્યાને કોર્ડન કરી નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લી રાખશે. મોડી સાંજે નાની અડધો ડઝન રાઈડ્સ, રમકડાં અને ખાણી-પીણીના સ્ટોલ ધમધમતા થયા હતા, પરંતુ મેળાની મુખ્ય રોનક સમાન મોટી રાઈડ્સ બંધ રહેતાં પ્રથમ દિવસે ઉત્સાહ મંદ રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt