હણોલની ડૉ. મનસુખ માંડવીયા ક્રિકેટ એકેડેમીનું ગૌરવ: ચોસલા કુશાંગનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન
ભાવનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામ ખાતે આવેલી ડૉ. મનસુખ માંડવીયા ક્રિકેટ એકેડેમીના પ્રતિભાશાળી ખેલાડી ચોસલા કુશાંગે અંડર-16 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરી એકેડેમી અને હણોલ ગામનું ગૌ
ખેલાડીનું શ્રેષ્ઠ પ્રદર્શન


ભાવનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામ ખાતે આવેલી ડૉ. મનસુખ માંડવીયા ક્રિકેટ એકેડેમીના પ્રતિભાશાળી ખેલાડી ચોસલા કુશાંગે અંડર-16 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરી એકેડેમી અને હણોલ ગામનું ગૌરવ વધાર્યું છે.

ભાવનગર રૂરલ અને જુનાગઢ રૂરલ વચ્ચે રમાયેલી મેચમાં ભાવનગર રૂરલ ટીમનું નેતૃત્વ ચોસલા કુશાંગે કર્યું હતું. કેપ્ટન તરીકે ટીમની જવાબદારી સંભાળવાની સાથે તેણે બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. કુશાંગે બેટિંગમાં પ્રથમ ઇનિંગમાં 41 બોલમાં 13 રન અને બીજી ઇનિંગમાં માત્ર 16 બોલમાં 12 રન બનાવ્યા હતા.

બોલિંગમાં પણ કુશાંગે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગમાં 44 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગમાં 35 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેના અસરકારક બોલિંગ પ્રદર્શનથી ટીમને મહત્વનો ફાયદો થયો હતો.

મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ ચોસલા કુશાંગને મેન ઓફ ધ મેચ તેમજ બેસ્ટ બોલરનો સન્માન આપવામાં આવ્યો હતો. આ સિદ્ધિથી ડૉ. મનસુખ માંડવીયા ક્રિકેટ એકેડેમી, હણોલ તથા સમગ્ર વિસ્તારના ક્રિકેટપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

નાની વયે ક્રિકેટ ક્ષેત્રે કુશાંગે દર્શાવેલી પ્રતિભા અને મહેનત ભવિષ્યમાં તેને ઉચ્ચ સ્તરે પહોંચાડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકેડેમીના કોચ, પરિવારજનો, મિત્રો અને ગ્રામજનોએ કુશાંગને અભિનંદન પાઠવી તેની ઉજ્જવળ ક્રિકેટ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande