
સુરત, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતના સચિન વિસ્તારમાં ગભેણી ચોકડી નજીક આવેલા બસેરા નગર પાસે આજે સવારે બે દુકાનોમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આગ દરમિયાન દુકાનોમાં રાખવામાં આવેલા વેસ્ટ ઓઇલથી ભરેલા બે ડ્રમમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની અસર એટલી તીવ્ર હતી કે દુકાનની છતના પતરાં ઊડીને દૂર જઈ પડ્યા હતા. જોરદાર ધડાકાના અવાજથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની ઝપેટમાં દુકાન બહાર પાર્ક કરાયેલા ત્રણ આઇશર ટ્રક અને એક છોટા હાથી ટેમ્પો સહિત કુલ ચાર વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઉપરાંત દુકાનોમાં રાખેલો અન્ય સામાન પણ સંપૂર્ણપણે નષ્ટ થયો હતો, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગની સાત ફાયર સ્ટેશનમાંથી કુલ નવ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર કર્મચારીઓએ લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ આગનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે ફાયર વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે