
મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંબલીયાસણ ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,881 બોટલ-બીયર ટીન સહિત કુલ રૂ.10.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ ભરેલી મારૂતી ઇકો અને મારૂતી 800 કાર પણ કબજે લેવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે આંબલીયાસણના ચરાડુ પરા વિસ્તારમાં રહેતા લાલાજી ઉર્ફે બોબો રામાજીના મકાન આગળ ઉભેલી બંને કારમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે LCBની ટીમે પંચો સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મારૂતી સુઝુકી ઇકો કાર નં. GJ.02.DM.4949 અને મારૂતી 800 કાર નં. GJ.24.A.2962માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કુલ 1,881 બોટલ-બીયર ટીન, 531 લિટર, રૂ.5,93,064ની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. ઉપરાંત રૂ.4 લાખની ઇકો કાર અને રૂ.50 હજારની મારૂતી 800 કાર મળી કુલ રૂ.10,43,064નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપી સ્થળ પર હાજર ન મળતાં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR