સુરતમાં આગના બે બનાવથી અફરાતફરી: ચિક્કી કારખાનામાં સિલિન્ડર બ્લાસ્ટ, ડાઇંગ મિલમાં કરોડોનું નુકસાન
સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરમાં આજે વહેલી સવારે આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. પાલનપુર-ઉગત કેનાલ રોડ નજીક ઝઘડિયા ચોકડી પાસે પતરાના શેડમાં ચાલતા ચિક્કી બનાવવાના કારખાનામાં સવારે 5:58 વાગ્યે અચાનક આગ લાગી હતી. આગ દરમિયાન એક એલપીજી સિલિન્ડર
Two Fire Incidents


સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરમાં આજે વહેલી સવારે આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. પાલનપુર-ઉગત કેનાલ રોડ નજીક ઝઘડિયા ચોકડી પાસે પતરાના શેડમાં ચાલતા ચિક્કી બનાવવાના કારખાનામાં સવારે 5:58 વાગ્યે અચાનક આગ લાગી હતી. આગ દરમિયાન એક એલપીજી સિલિન્ડર અને ફાયર એક્સટિંગ્વિશર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચીને અંદર રહેલા અન્ય ચાર ગેસ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. લગભગ એક કલાકની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

બીજી તરફ પાંડેસરા જીઆઈડીસીના પ્લોટ નંબર 93માં આવેલી પ્રિયાંશી ડાઇંગ મિલમાં સવારે 6:25 વાગ્યે આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પરના સેન્ટર મશીનમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ ઝડપથી ફેલાઈ હતી અને પ્રથમ માળ સુધી પહોંચી ગઈ હતી. આગને પગલે મિલમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી, જોકે તમામ કામદારો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં વિવિધ ફાયર સ્ટેશનોની છથી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને લાંબી કામગીરી બાદ સવારે આશરે 9:15 વાગ્યે આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી હતી.

આગની ઘટનામાં ડાઇંગ મિલની ત્રણ સેન્ટર મશીન, ફિનિશિંગ મશીન, પોલિએસ્ટર કાપડનો જથ્થો, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, કોમ્પ્રેસર ફેન સહિત ઓફિસનો સામાન પણ બળી ગયો હતો. બીજી તરફ ચિક્કી કારખાનામાં તૈયાર માલ, મશીનરી અને અન્ય સાધનોને મોટું નુકસાન થયું છે. બંને બનાવોમાં ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જ્યારે ડાઇંગ મિલમાં થયેલા નુકસાનનો આંકડો કરોડોમાં હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande