
સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રાજેશ પાંડવની જીવનકથા એક અનોખા હીરાને કારણે ચર્ચામાં આવી છે. વર્ષ 2005માં મહિધરપુરા ડાયમંડ માર્કેટમાં દલાલીનું કામ કરતી વખતે તેમને સાઉથ આફ્રિકાથી આવેલા રફ ડાયમંડના જથ્થામાં ગણેશજી જેવી આકૃતિ ધરાવતો એક પથ્થર જોવા મળ્યો હતો. અન્ય લોકો તેને સામાન્ય ક્રિસ્ટલ માનતા હતા, પરંતુ રાજેશભાઈએ તેમાં ગણેશજીનું સ્વરૂપ જોયું અને આશરે ₹29 હજાર ઉછીના લઈને આ હીરો ખરીદી લીધો. પરિવાર દ્વારા તેની પૂજા શરૂ કરવામાં આવી અને રાજેશભાઈના જણાવ્યા મુજબ ત્યારબાદ તેમના વ્યવસાયમાં પણ ધીમે ધીમે પ્રગતિ થઈ. પરિવાર પાસે રહેલા આ હીરાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹700 કરોડ હોવાનો દાવો કરવામાં આવે છે.
આવી જ બીજી રસપ્રદ ઘટના સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયા સાથે જોડાયેલી છે. વર્ષ 2002ની આસપાસ તેઓ બેલ્જિયમથી રફ ડાયમંડનો જથ્થો લઈને આવ્યા હતા. તેમના પિતાને ગણેશજીનું સપનું આવ્યા બાદ એક હીરાને ધ્યાનથી જોવામાં આવ્યો તો તેમાં ગણેશજીનું સ્વરૂપ દેખાતું હોવાનું પરિવારનું કહેવું છે. આ હીરાને ‘કરમ ગણેશા’ નામ આપવામાં આવ્યું છે. દાવો મુજબ રફ ડાયમંડમાંથી બનેલી આ અનોખી આકૃતિનું વજન 182.3 કેરેટ એટલે કે આશરે 36.5 ગ્રામ છે, જે 105.6 કેરેટના કોહિનૂર કરતાં વજનમાં વધુ છે. આ હીરાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે.
કનુભાઈ પાસે ‘કરમ ગણેશા’ ઉપરાંત 26.53 કેરેટનો ‘ધ્યાનસ્થ ડાયમંડ’ અને 8.03 કેરેટનો ‘શુભમ ડાયમંડ’ પણ હોવાનું જણાવાય છે. ત્રણેય હીરાની સંયુક્ત કિંમત આશરે ₹2,200 કરોડ હોવાનો દાવો કરવામાં આવે છે, જોકે આવા દુર્લભ હીરાની કિંમત સામાન્ય કેરેટના ભાવ કરતાં તેની અનોખી કુદરતી રચના અને ડિઝાઇનને આધારે પણ નક્કી થઈ શકે છે. કનુભાઈ દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન હીરા સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરીને પૂજા કરે છે અને વર્ષના બાકીના સમયમાં તેને સુરક્ષિત લોકરમાં રાખે છે. આ અનોખી વસ્તુને લઈને દેશની જાણીતી હસ્તીઓને પણ તેની તસવીરો મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે