


પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર
મહાનગરપાલિકા ખાતે કમિશનર ટી. સી. તીરથાણીના નેતૃત્વ હેઠળ ‘કેચ ધ રેઇન’ વિષયક
સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા અને એરિડ કોમ્યુનિટીઝ
એન્ડ ટેક્નોલોજીસ (એસીટી), ભુજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો
મહત્તમ સંગ્રહ કરી તેનો ભૂગર્ભજળ રિચાર્જ માટે ઉપયોગ થાય તે અંગે જાગૃતિ અને
માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
સેમિનારમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ અર્બન અફેર્સ, એસીટી સંસ્થા અને પોરબંદર મહાનગરપાલિકા
દ્વારા શેલો એક્વિફર મેનેજમેન્ટ–2.0
(સેમ–2.0) અંતર્ગત પોરબંદર શહેર માટે કરવામાં
આવી રહેલા અભ્યાસ અંગે એસીટી સંસ્થાના ડાયરેક્ટર ડો. યોગેશ જાડેજાએ પ્રેઝન્ટેશનના
માધ્યમથી વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા
ડી.પી.આર. રિપોર્ટ તેમજ ટેકનિકલ અભ્યાસના આધારે શહેરમાં નક્કી કરવામાં આવેલી 10 નિદર્શન સાઇટ અંગે માહિતી આપવામાં આવી
હતી. આ સાઇટ્સના માધ્યમથી વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જ માટે ઉપયોગી
વિવિધ તકનીકોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન કમિશનર ટી. સી.
તીરથાણીએ ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં વરસાદી પાણીનો
સંગ્રહ, સંચય
અને ભૂગર્ભજળ રિચાર્જના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે વરસાદી પાણીને વહી જતું
અટકાવી તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. સેમિનારમાં
પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર, વિવિધ વિભાગોના એન્જિનિયરો, સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ, વોર્ડ કૉર્પોરેટરઓ તેમજ એસીટી સંસ્થાના
ડાયરેક્ટર ડો. યોગેશ જાડેજા સહિત સંસ્થાની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya