
મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે વર્ષ 2026-27ની સહાયલક્ષી યોજનાઓ હેઠળ i-Khedut પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 17 સપ્ટેમ્બર હતી. વધુ ખેડૂતો યોજનાઓનો લાભ લઈ શકે તે હેતુથી પોર્ટલ ફરી ખુલ્લું મુકાયું છે.
બાગાયત વિભાગ દ્વારા મુખ્યત્વે બે યોજનાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. ફળપાકમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની યોજનામાં એકમ દીઠ ₹5 લાખના ખર્ચ સામે પાત્ર ખેડૂતોને 40 ટકા અથવા મહત્તમ ₹2 લાખ પ્રતિ હેક્ટર સુધી સહાય મળશે. આ માટે ઓછામાં ઓછા 0.20 અને વધુમાં વધુ 1 હેક્ટર વિસ્તારમાં માળખું ઊભું કરવાનું રહેશે.
બીજી યોજના બહુસ્તરીય ખેતી પદ્ધતિથી ફળપાકનો વાવેતર વિસ્તાર વધારવા માટે છે. તેમાં રોપા અથવા કલમો માટે નિયત ખર્ચ મુજબ સહાય ઉપરાંત ઇનપુટ અને લેબર ખર્ચ પેટે ₹10 હજાર પ્રતિ હેક્ટર સુધી પ્રોરેટા આધારે સહાય મળવાપાત્ર છે. ખેડૂતોને પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 2500 રોપા અથવા કલમોનું વાવેતર કરવાનું રહેશે.
અરજી માટે ખેડૂતો https://ikhedut.gujarat.gov.in/ પર આધાર ઓથેન્ટિકેશન સાથે ઓનલાઈન નોંધણી કરી શકશે. અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો સાચવી રાખવાના રહેશે. પૂર્વ મંજૂરી બાદ ક્લેઈમ વખતે જરૂરી નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, મહેસાણા ખાતે જમા કરાવવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR