
બોટાદ/અમદાવાદ,22 સપ્ટેમ્બરે (હિ.સ.) ગુજરાતી હિન્દુ કેલેન્ડર મુજબ, આજે 22 સપ્ટેમ્બર ના રોજ જળઝીલણી એકાદશીનું અનેરું ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. જળઝીલણી એકાદશીને અનુલક્ષીને ગુજરાતમાં પણ આજે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
આજે જળઝીલણી એકાદશી પર બોટાદ અને વલસાડ જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન હોડી પલટી જવાની ઘટના સામે આવી છે. બોટાદના ગઢડામાં ગોપીનાથજી મંદિર દ્વારા યોજાયેલા જળઝીલણી ઉત્સવ દરમિયાન ઠાકોરજીને નૌકાવિહાર કરાવતી હોડી અચાનક પાણીમાં ગરકાવ થઈ હતી. બંને ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના દરિયા કિનારે આવેલા ઉમરસાડી ગામમાં બોટ દુર્ઘટના સર્જાઈ હતી. એકાદશી નિમિત્તે લાલજી મહારાજની મૂર્તિને દરિયામાં સ્નાન કરાવી અને પરત ફરી રહેલા ગામના લોકોની બોટ ડૂબી જતા બોટમાં સવાર લોકો ડૂબ્યા હતા. ઘટના બાદ દોડધામ મચી ગઈ હતી. જોકે બોટમાં સવાર તમામ સાત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ એક નાનું બાળક ડૂબી જતા તેની કલાકો સુધી શોધખોળ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ