
પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધપુર કેમિસ્ટ એસોસિએશન દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓની સુવિધા માટે ‘જય અંબે પગપાળા સેવા કેમ્પ’ શરૂ કરાયો છે. કેમ્પમાં યાત્રાળુઓને 24 કલાક આરોગ્ય તપાસ, સારવાર અને નિઃશુલ્ક દવાઓની સેવા આપવામાં આવી રહી છે.
સિદ્ધપુર દવા બજારના વેપારીઓ દ્વારા વર્ષોથી આ સેવાકીય પરંપરા જાળવવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમ કેમિસ્ટોના સહયોગથી ચાલતા આ કેમ્પમાં જાતિ-ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતમંદ યાત્રાળુઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે FGSCDAના પ્રમુખ જશુ પટેલ, સેક્રેટરી કિરીટ પલાણ, નોર્થ ઝોન પ્રમુખ જીતુ પટેલ, મંત્રી મફતભાઈ અને ચેરમેન શંકર કાકા સહિત મહેસાણા અને પાટણ દવા બજારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેસાણા દવા બજારના સિનિયર અગ્રણી પ્રહલાદ પટેલનો જન્મદિવસ પણ કેમ્પમાં ઉજવાયો હતો. રાજ્યભરમાંથી આવેલા દવા બજારના પ્રતિનિધિઓએ કેમ્પની મુલાકાત લઈ યાત્રાળુઓ માટેની તબીબી વ્યવસ્થાની માહિતી મેળવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ