
જુનાગઢ,22 સપ્ટેમ્બર (હિ.સ.) અન્ય રાજ્ય, જિલ્લા કે પ્રાંતમાંથી રોજગારી અર્થે આવેલા શ્રમિક પરિવારો સુધી પાયાની આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉમદા આશય સાથે માળીયાહાટીનાના બાબરા ગામે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં આરોગ્યકર્મીઓએ સ્થળ મુલાકાત લઈ જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી.
શ્રમિક વસાહત ખાતે યોજાયેલ આ આરોગ્ય કેમ્પ દરમિયાન ફિલ્ડ ઓ.પી.ડી. દ્વારા શ્રમિકો અને તેમના પરિવારજનોની સ્થળ પર જ શારીરિક તપાસ કરી જરૂરી દવાઓ તથા પ્રાથમિક સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. તાવ સર્વેલન્સ અંતર્ગત ઋતુજન્ય તેમજ વાહકજન્ય રોગચાળાના અટકાયતી પગલારૂપે તાવના દર્દીઓનું સ્ક્રિનિંગ કરી લોહીના જરૂરી નમૂના લેવાની કામગીરી પણ કામગીરી કરવામાં આવી હતી.
બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને આંખોના સ્વાસ્થ્ય માટે નિયત વયજૂથના તમામ બાળકોને સ્થળ પર જ વિટામિન ‘એ’ નો ડોઝ પીવડાવવામાં આવ્યો હતો.
સગર્ભા અને ધાત્રી માતાઓની વિશેષ સંભાળ માટે વસાહતમાં રહેલી સગર્ભા બહેનોની એન્ટે-નેટલ તપાસ (ANC), બ્લડ પ્રેશર તથા હિમોગ્લોબિનની ચકાસણી કરવામાં આવી અને આયર્ન-ફોલિક એસિડ સહિતની દવાઓ આપવામાં આવી હતી. સાથે જ ધાત્રી માતાઓને પૂરક પોષણ, શિશુ સંભાળ અને સ્તનપાન અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
શ્રમિક પરિવારોમાં પીવાના શુદ્ધ પાણીનો ઉપયોગ, વ્યક્તિગત સ્વચ્છતા અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા અંગે સરળ સમજ આપવામાં આવી. ઉપરાંત કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના શ્રમિકો સુધી પહોંચીને કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક સ્તરે બિરદાવવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખોરાસાના મેડિકલ ઓફિસર ડૉ. વાઢેરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગના સી.એચ.ઓ પિયુષભાઈ, ફિમેલ હેલ્થ વર્કર મોનિકા રામુ, એમ.પી.એચ.ડબલ્યુ મુકેશભાઈ અને આશા બહેનો સહભાગી બન્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ