

મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમની પદયાત્રામાં જતા માઈભક્તોની સેવા માટે અમદાવાદના રાણીપ સ્થિત જય અંબે યુવક મંડળ દ્વારા ગોઝારિયા-વિસનગર હાઈવે પર છેલ્લા 11 વર્ષથી સેવાકેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. ભાદરવી સાતમથી દશમ સુધી ચાલતા આ કેમ્પમાં પદયાત્રીઓને સફરજનનો પ્રસાદ, પગની માલિશ, આરામ અને ઠંડા પાણી સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ વર્ષે પ્રથમવાર બેગ રિપેરિંગની સેવા પણ શરૂ કરવામાં આવી છે.
મંડળના 40થી 50 સભ્યો મળીને કેમ્પનું સંચાલન કરે છે. 11 વર્ષ પહેલાં પાંચ-છ મિત્રોએ પોતાના ફાળાથી નાનકડા મંડપમાં સેવા શરૂ કરી હતી. સમય જતાં સેવાભાવી લોકો જોડાતા ગયા અને કેમ્પનો વ્યાપ વધ્યો. હાલમાં આશરે 1 હજાર યાત્રિકો એકસાથે આરામ કરી શકે તેવી વ્યવસ્થા છે.
કેમ્પનું મુખ્ય આકર્ષણ સફરજનનો પ્રસાદ છે. દર વર્ષે આશરે 6 હજાર કિલો સફરજન મસાલા સાથે તૈયાર કરી 40થી 50 હજાર યાત્રિકોને પ્રસાદરૂપે આપવામાં આવે છે. આ વર્ષે યાત્રિકોની બેગની ચેન તૂટવા કે અન્ય નાની સમસ્યા સર્જાય તો સ્થળ પર જ રિપેર કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
કેમ્પ પાછળ દર વર્ષે આશરે ₹8 લાખનો ખર્ચ થાય છે. સભ્યો અને તેમના પરિવારજનોના સહયોગથી ચાલતી આ સેવા માટે તૈયારીઓ એકથી બે મહિના અગાઉથી શરૂ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR