

પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર-રાજકોટ
હાઇવે પર રાત્રિના સમયે રસ્તા પર રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો અટકાવવા NHAI રાજકોટના સ્ટાફ અને પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી અંતર્ગત હાઇવે પર ફરતા પશુઓના ગળામાં રેડિયમ પટ્ટા (Reflective Collars) પહેરાવવામાં આવ્યા હતા.
રાત્રિના સમયે વાહનની હેડલાઇટ પડતાં આ પટ્ટા ચમકશે, જેના કારણે વાહનચાલકોને રસ્તા પર રહેલા પશુઓ દૂરથી જ દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પશુઓ અગાઉથી નજરે પડતાં વાહનચાલકોને વાહનનીગતિ નિયંત્રિત કરવા માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.
પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે હાઇવે પર વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે. હાઇવે પર નિયંત્રિત ઝડપે વાહન ચલાવવા તથા રસ્તા પર પશુઓ નજરે પડે ત્યારે અચાનક બ્રેક મારવાને બદલે સલામત અંતર જાળવી વાહન પસાર કરવા સૂચના આપવામાં આવી છે. રાત્રિના સમયે હાઇવે પર વાહનચાલકો અને પશુઓ બંનેની સલામતી જળવાઈ રહે તે માટે NHAI અને ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya