ઉમરસાડી માછીવાડ નજીક બોટ પલટી: દોઢ વર્ષનું માસૂમ બાળક દરિયામાં ગરકાવ, શોધખોળ ચાલુ
વલસાડ,22 સપ્ટેમ્બર (હિ.સ.) ઉમરસાડી માછીવાડ નજીક મંગળવારે સવારે ધાર્મિક વિધિ દરમિયાન બોટ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બોટમાં સવાર આશરે દોઢ વર્ષનું માસૂમ બાળક દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં પારડી પોલીસ, સ્થાનિક માછીમા
ઉમરસાડી દરિયામાં બોટ પલટી બાદ બાળકની શોધખોળ


વલસાડ,22 સપ્ટેમ્બર (હિ.સ.) ઉમરસાડી માછીવાડ નજીક મંગળવારે સવારે ધાર્મિક વિધિ દરમિયાન બોટ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બોટમાં સવાર આશરે દોઢ વર્ષનું માસૂમ બાળક દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં પારડી પોલીસ, સ્થાનિક માછીમારો અને અનુભવી તરવૈયાઓની ટીમે બાળકની શોધખોળ હાથ ધરી હતી. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી બાળકની કોઈ ભાળ મળી શકી નથી.મળતી માહિતી મુજબ, ઉમરસાડી માછીવાડના સાગીયા અને મોરી ફળિયા નજીક માછીમાર સમાજના લોકો પરંપરાગત વિધિ મુજબ લાલજી મહારાજની મૂર્તિને દરિયામાં સ્નાન કરાવવા બોટ મારફતે લઈ જઈ રહ્યા હતા. બોટમાં બે પૂજારી સહિત આશરે 6થી 8 લોકો સવાર હતા.દરિયામાં જતા સમયે બોટના પંખામાં માછલી પકડવાની જાળનું દોરડું ફસાઈ ગયું હતું. દોરડું પંખામાં લપેટાઈ જતાં બોટનું સંતુલન ખોરવાયું અને બોટ અચાનક દરિયામાં પલટી ગઈ હતી. બોટ પલટી જતાં સવાર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.અકસ્મતમાં દાદીના ખોળામાં બેઠેલું આશરે દોઢ વર્ષનું બાળક હાથમાંથી સરકીને દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. જ્યારે બોટમાં સવાર અન્ય લોકોને સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પારડી પોલીસ, સ્થાનિક સરપંચ તેમજ માછીમાર સમાજના અનુભવી તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચંદ્રપુરના સ્થાનિક તરવૈયાઓની મદદથી પણ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.માછીમાર સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ મકનજીભાઈ ટંડેલના જણાવ્યા મુજબ, ભાદરવી અમાસ બાદ ધંધાની શરૂઆત પહેલાં લાલજી મહારાજને દરિયામાં સ્નાન કરાવવાની માછીમાર સમાજમાં પરંપરા છે. આ પરંપરાગત વિધિ દરમિયાન બોટના પંખામાં દોરડું ફસાતા અકસ્માત સર્જાયો હતો.બાળકની શોધખોળ માટે પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની કામગીરી હજુ પણ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande