

કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેપારીઓ, ગ્રાહકો અને ફેરિયાઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ; કાપડની થેલીઓનું વિતરણ કરાયું. પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાના હેતુથી આડેસર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બજાર વિસ્તારમાં વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને ફેરિયાઓને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડવા તેમજ તેના બદલે પર્યાવરણને અનુકૂળ કાપડની થેલીઓ અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
આડેસરની બજારમાં યોજાયેલા આ જાગૃતિ અભિયાનમાં જિલ્લા પંચાયત સદસ્ય જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની થેલીઓના વધતા ઉપયોગથી પર્યાવરણ પર થતી અસરો અંગે લોકોને સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને પોતાની સાથે કાપડની થેલી રાખવાની અને વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવી થેલીને પ્રાથમિકતા આપવાની સમજ આપવામાં આવી હતી.
અભિયાન દરમિયાન માત્ર અપીલ પૂરતી મર્યાદિત ન રહેતા કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વેપારીઓ અને ગ્રાહકોને આ થેલીઓ આપીને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે તેનો નિયમિત ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દુકાનદારો તથા ફેરિયાઓને પણ ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલી આપવાને બદલે કાપડની થેલી તરફ વાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ જાળવવા માટે સરકારી પ્રયાસોની સાથે નાગરિકોની ભાગીદારી પણ જરૂરી હોવાનું જણાવાયું હતું.
આડેસરના બજાર વિસ્તારમાં યોજાયેલી આ પહેલથી દૈનિક ખરીદી દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પુનઃઉપયોગી કાપડની થેલી અપનાવવા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થયો હતો. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિએ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar