
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : આદિપુર પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન હેરોઈન સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીના કબજામાંથી 16.30 ગ્રામ હેરોઈન મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મુદ્દે NDPS Act હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુવા પેઢીમાં નશાનું પ્રમાણ વધતું અટકાવવા માટે ‘SAY NO TO DRUGS’ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોની ખરીદી, વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન આદિપુર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે જુમ્માપીર ફાટકથી હાઈવે તરફ જતા માર્ગ પર મલયાલમ નગર સોસાયટી નજીક આવેલા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમીમાં જણાવ્યા મુજબનો એક હાઈડ્રા ચાલક શંકાસ્પદ રીતે ત્યાં હાજર હોવાનું જણાતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખવામાં આવેલ હેરોઈન મળી આવ્યું હતું.
પોલીસે 16.30 ગ્રામ હેરોઈન, જેની કિંમત રૂ.3.26 લાખ હોવાનું જણાવાયું છે, કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપીની ઓળખ પ્રભજીતસિંગ અનુપસિંગ મજબી શિખ, ઉંમર 26 વર્ષ, મૂળ અમૃતસર, પંજાબ તરીકે થઈ છે. આ કેસમાં રેશર્માસંગ ચિમ્માચિંગ, રહે. તરણતારણ, પંજાબ નામના અન્ય વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે હેરોઈન ઉપરાંત બે મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો, ડ્રાઈવિંગ લાયસન્સ, પર્સ, હાથ રૂમાલ તેમજ GJ-12-CM-7625 નંબરનું હાઈડ્રા વાહન કબજે કર્યું છે. કબજે કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.13.38 લાખ હોવાનું જણાવાયું છે.
આદિપુર પોલીસ સ્ટેશનમાં NDPS Actની કલમ 8(C), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ સહિતની વધુ તપાસ હાથ ધરી છે અને હેરોઈનના જથ્થાનો સ્ત્રોત તથા તેની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar