

કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ત્રણ ટુ-વ્હીલરમાંથી રૂ.1.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, રાપર પોલીસ મથકે ગુનો નોંધાયો.રાપર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ-ગાંધીધામની ટીમે વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે ત્રણ ટુ-વ્હીલર કબજે કર્યા છે. પોલીસની ટીમને જોઈ ત્રણેય વાહનચાલકો વાહનો સ્થળ પર જ છોડીને નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાપર પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં દારૂની ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એલ.સી.બી.ની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પ્રાગપર ચોકડી નજીક ત્રણ શખ્સો ટુ-વ્હીલર સાથે શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતા. પોલીસની ટીમ તેમની નજીક પહોંચતાં જ ત્રણેય શખ્સોએ પોતાના વાહનો સ્થળ પર મૂક્યા અને ત્યાંથી નાસી ગયા હતા.
પોલીસે સ્થળ પર તપાસ કરતાં ત્રણેય ટુ-વ્હીલરની ડેકીમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. કબજે કરાયેલા મુદ્દામાલમાં અલગ-અલગ બ્રાન્ડની 750 એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો, 180 એમ.એલ.ની બોટલો તેમજ 500 એમ.એલ.ના બીયર ટીનનો સમાવેશ થાય છે. દારૂના જથ્થા સાથે ટી.વી.એસ. જ્યુપિટર, અન્ય ટી.વી.એસ. જ્યુપિટર અને હોન્ડા એક્ટિવા સહિત ત્રણ ટુ-વ્હીલર પણ પોલીસે કબજે કર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ કબજે કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,56,974 જેટલી થાય છે. વાહનોના રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરાર વાહનચાલકો અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. રાપર વિસ્તારમાંથી ઝડપાયેલા આ પ્રોહિબિશનના કેસને પગલે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar