ભાવનગરના દંપતીની રાજ્યકક્ષાની પેરા વોલીબોલ ટીમમાં પસંદગી
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના અકવાડા ગામે રહેતા બારૈયા દંપતીએ રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. બારૈયા પાંચાભાઈ અને તેમના પત્ની બારૈયા ભાવુબેનની તમિલનાડુના ચેન્નઈ ખાતે યોજાનારી રાષ્ટ્રીય પેરા સિટિંગ વોલીબોલ સ્પર્ધા માટે ગુજરાતની પુ
ટીમ માં પસંદ થયેલ દંપતી


ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના અકવાડા ગામે રહેતા બારૈયા દંપતીએ રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. બારૈયા પાંચાભાઈ અને તેમના પત્ની બારૈયા ભાવુબેનની તમિલનાડુના ચેન્નઈ ખાતે યોજાનારી રાષ્ટ્રીય પેરા સિટિંગ વોલીબોલ સ્પર્ધા માટે ગુજરાતની પુરુષ અને મહિલા ટીમમાં પસંદગી થઈ છે. એક જ પરિવારના બંને સભ્યોની રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી થતાં પરિવારજનો અને ગામમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આશરે 42 વર્ષના પાંચાભાઈ અને 41 વર્ષના ભાવુબેન છેલ્લા પાંચથી છ વર્ષથી પેરા વોલીબોલ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં સક્રિય છે. સ્થાનિક કક્ષાથી રમતની શરૂઆત કર્યા બાદ બંનેએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. સતત મહેનત અને નિયમિત તાલીમના પરિણામે બંનેએ અત્યાર સુધીમાં ત્રણ જેટલા મેડલ ઉપરાંત વિવિધ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવ્યાં છે.

રમત પ્રત્યેના લગાવને કારણે દંપતીએ જીવનમાં મહત્વનો નિર્ણય પણ લીધો હતો. બંને અગાઉ સમોસા બનાવવાના કામ સાથે જોડાયેલા હતા, પરંતુ કામના કારણે રમત માટે પૂરતો સમય ન મળતા તેમણે આ કામ છોડી રમતગમત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારથી નિયમિત પ્રેક્ટિસ અને સ્પર્ધાઓમાં ભાગ લઈને રમતને વધુ નિખારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હવે ચેન્નઈ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં પાંચાભાઈ ગુજરાતની પુરુષ ટીમ અને ભાવુબેન મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરશે. પતિ-પત્ની એકબીજાના સાથી બનીને પ્રેક્ટિસ અને સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે. 40 વર્ષની ઉંમર બાદ પણ રમત પ્રત્યેનો જુસ્સો જાળવી રાખીને બારૈયા દંપતી અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande