
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા શહેરના લોખંડ બજાર-ખાર ગેટ ખાતે આવેલી જ્યોતિ મહિલા વિદ્યાલય ખાતે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે ફાયર ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને આગ લાગવાની સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ કટોકટીના સમયે સલામત રીતે બહાર નીકળવા અંગે જરૂરી માર્ગદર્શન આપવાનો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગના વિવિધ પ્રકારો, આગ લાગવાના કારણો અને આગથી બચવા માટે રાખવાની તકેદારી અંગે માહિતી આપવામાં આવી હતી.
ફાયર ડેમો દરમિયાન આગ લાગે ત્યારે તેનો સામનો કેવી રીતે કરવો, ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેમજ આગની ઘટનામાં ગભરાયા વગર બચાવ કામગીરી હાથ ધરવાની પદ્ધતિ અંગે પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીના સાધનોની કામગીરી પણ સમજાવવામાં આવી હતી.
ફાયર વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આગની નાની ઘટના પણ સમયસર નિયંત્રણમાં લેવામાં આવે તો મોટી દુર્ઘટના ટાળી શકાય છે. તેથી શાળા, કોલેજ, કચેરી અને અન્ય જાહેર સ્થળોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA