
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯ની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને શાળાએ પહોંચવામાં સરળતા રહે અને તેમના શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનો લાભ ઈશ્વરિયા માધ્યમિક શાળાની કુલ ૫૬ વિદ્યાર્થીનીઓને મળ્યો છે.
શાળામાં યોજાયેલા સાયકલ વિતરણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ચિંતનકુમાર ત્રિવેદીના આયોજન હેઠળ ગામના સરપંચ રમાબેન નાકરાણી, ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલ, કેળવણી મંડળના અગ્રણી વીરસંગભાઈ સોલંકી, મૂકેશકુમાર પંડિત, સમિતિના સભ્યો તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી હતી. સાયકલ મળતા વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે શાળાએ આવવા-જવા માટે સાયકલ ઉપયોગી બનશે. ખાસ કરીને શાળાથી દૂર રહેતી વિદ્યાર્થીનીઓને નિયમિત રીતે શાળામાં પહોંચવામાં આ યોજનાથી સરળતા રહેશે.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત મળતી સાયકલથી વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે અને તેઓ નિયમિત શાળામાં હાજરી આપે તેવો હેતુ છે. ઈશ્વરિયા માધ્યમિક શાળામાં આ વર્ષે ૫૬ વિદ્યાર્થીનીઓને યોજનાનો લાભ મળતાં શાળા પરિવાર તથા વાલીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
કાર્યક્રમના અંતે શાળા દ્વારા વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA