
- રમત, જ્ઞાન અને ટીમવર્ક દ્વારા પોષણ જાગૃતિનો સંદેશ
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ સ્થિત મંડળીય રેલવે હોસ્પિટલ, ભાવનગર (DRH-BVP) ખાતે પોષણ માસ-2026 અંતર્ગત ઓડિટોરિયમ કક્ષમાં પોષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ રમત, જ્ઞાન અને ટીમવર્કના માધ્યમથી સંતુલિત અને સ્વસ્થ આહાર પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પ્રતિભાગીઓને ટીમ A “પોષણ પ્રેરણા” અને ટીમ B “પોષણ શક્તિ”માં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ફૂડ રંગોળી ચેલેન્જ, પોષણ ક્વિઝ અને પોષણ બાસ્કેટ રિલે જેવી મનોરંજક તેમજ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફૂડ રંગોળી ચેલેન્જમાં પ્રતિભાગીઓએ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ અને સૂકા મેવાનો ઉપયોગ કરીને પોષણ આધારિત રંગોળી તૈયાર કરી હતી. પોષણ ક્વિઝમાં બે રાઉન્ડમાં આરોગ્ય અને પોષણ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જ્યારે પોષણ બાસ્કેટ રિલે દ્વારા વિવિધ ખાદ્ય સમૂહોની ઓળખ તથા સંતુલિત આહારમાં તેમની ભૂમિકા સમજાવવામાં આવી હતી.
કાર્યક્રમની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન ડૉ. મનોજ કુમાર, મુખ્ય તબીબી અધિક્ષક (મંડળીય રેલવે હોસ્પિટલ, ભાવનગર) તથા સ્મિતા, સહાયક નર્સિંગ અધિક્ષક (ANO) (મંડળીય રેલવે હોસ્પિટલ, ભાવનગર) દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રદર્શનના આધારે ટીમ B “પોષણ શક્તિ”, જેના કેપ્ટન ડૉ. મૂનિકા હતાં, વિજેતા રહી હતી. વિજેતા ટીમને ડૉ. મનોજ કુમાર તથા સ્મિતા દ્વારા વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સમાપન ઉત્સાહ અને સકારાત્મક ટીમ ભાવના સાથે થયું. વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સ્વસ્થ ભોજન, સંતુલિત આહાર તથા વધુ સારી જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ